Sun 8 Apr 2007
મારો પરિચય
Filed under: Uncategorized — arvind1uk @ 10:04 pm

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ,
બીજી તરફ જન્નત,ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

- બરકત વિરાણી ‘બેફામ’

Comments (1)
Sat 7 Apr 2007
સમ્બન્ધો
Filed under: Uncategorized — arvind1uk @ 12:23 am

ગાઢ નીદ્રા માઁ પોઢેલા સમ્બન્ધો ને ફરી થી જગાડીએ,
ચાલ ને પાછી એકડે એક થી શરુઆત કરીએ,

ખબર ના રહી કેમ કરી સમ્બન્ધો પોઢી ગયા,
કે પછી જાણતા આઁખ આડા કાન થઈ ગયા?

જો જે જાગેલા સમ્બન્ધો ફરે થી નીદ્રધીન ના થઈ જાય,
એને જગાડતા જગાડતા પાછી રાત ના પડી જાય ,

અરે એમ બૂમો પાડવાથી ના જાગે ગાઢ નીદ્રાધીન સમ્બન્ધો,
હૂઁફ્ ના ચુલા પર શેકવા કરવા પડે એ સમ્બન્ધો,

ધીમી રાખજો આઁચ એ હૂઁફ ના ચુલા ની,
શેકતા બળી ના જાય કરજો કાળજી એની,

નહી તો મૃત્યુ શૈયા પર પોઢી જશે એ સમ્બન્ધો,
જાગશે નહી “માનવ” કદી એ પોઢી ગયેલા સમ્બન્ધો,

-પરેશ “માનવ”

(આ સ્વરચિત કવિતા મોકલવા બદલ મૂળ મુંબઈના અને હાલ મસ્કત-ઓમાનમાં રહી કામ કરતા શ્રી પરેશભાઈ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર).

Comments (2)
44 queries. 0.887 seconds. Powered by Gujarati Blogs
Powered By Indic IME